આ રીતે વધારશો મમરા તો ખાવાં મોજ પડી જશે

સ્કૂલ જતા બાળકોને નાસ્તામાં આપવા હોય કે પછી સાંજની ચા સાથે ખાવા હોય, નાસ્તા માટે મમરા શ્રેષ્ઠ વિકલ્પ છે. મોટાભાગના લોકોના ઘરમાં વઘારેલા મમરાનો ડબ્બો ભરેલો જ હોય છે, જેથી ઘરના નાના-મોટા દરેક લોકોને જ્યારે ભૂખ લાગે મમરા ખાઈ શકે. હવે તમે મમરા લાવો તો આ રીતે વઘારજો…

સામગ્રી

  • મમરા
  • સિંગદાણા(તમારી જરુર પ્રમાણે)
  • મીઠા લીમાડાના પાન 10-15
  • ઝીણાં સમારેલા લીલા મરચા(સ્વાદ પ્રમાણે)
  • અડધી ચમચી મરી પાવડર
  • અડધી ચમચી ચાટ મસાલો
  • અડધી ચમચી લાલ મરચાનો પાવડર
  • મીઠું(સ્વાદ અનુસાર)
  • તેલ

રીત

સૌ પ્રથમ મધ્યમ આંચ પર એક કાઢિયામાં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય એટલે તેમાં સિંગદાણા નાખીને સારી રીતે શેકી લો. સિંગદાણા શેકાઈ જાય તો તેને અલગ કાઢી લો.

હવે તેલમાં ઝીણાં સમારેલા લીલા મરચા અને મીઠા લીમડાના પાન નાખી ને વઘાર કરો અને શેકાઈ જાય પછી તેમાં મમરા નાખી દો. મમરા સહેજ શેકાય તો તેમાં શેકેલા સિંગદાણા નાખો અને હલાવતા રહો.

થોડી વાર બાદ ગેસ બંધ કરો અને મમરાને એક વાસણમાં કાઢીને તેમાં કાળા મરીનો પાવડર, ચાટ મસાલો, લાલ મરચાંનો પાવડર અને મીઠું નાખીને મિક્સ કરો.

તમારા નમકીન અને ચટાકેદાર મમરા તૈયાર છે.

જો તમને પીળો રંગ જોઈતો હોય તો મમરા ગેસ પર હોય ત્યારે તેમાં હળદર પણ નાખી શકો છો. જો ઈચ્છો તો મમરામાં ટમેટું અને ડુંગળી સમારીને નાખીને પણ ખાઈ શકો છો. આ સિવાય તમે વઘાર કરતી વખતે રાઈ પણ નાખી શકો છો.

Share This